સુરત પોલીસની ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી..
સાયબર ફ્રોડ સામે સુરત પોલીસે વધુ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. *ઓપરેશન મ્યુલ હન્ટ 2.0* અંતર્ગત સાયબર ગુનેગારોને મદદરૂપ બનતા બેંક એકાઉન્ટ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાનમાં 77 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કરોડો રૂપિયાના ફ્રોડનો પર્દાફાશ થયો છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત સાયબર પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ દ્વારા *ઓપરેશન મ્યુલ હન્ટ 2.0* અંતર્ગત વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સાયબર ફ્રોડ માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા તેમજ સાયબર ગુનેગારોને મદદરૂપ બનતા લોકો સામે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી માટે 15 મેના રોજ બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જ્યારે 16 મેના રોજ પોલીસ કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.આ અભિયાન દરમિયાન કુલ 58 ફરિયાદો નોંધાઈ હતી અને 77 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ કેસોમાં મળીને અંદાજે રૂ. 23 કરોડ 85 લાખનું સાયબર ફ્રોડ થયું હતું.પોલીસે અત્યાર સુધીમાં સવા કરોડ રૂપિયાથી વધુ રકમની રિકવરી પણ કરી છે. મોટા ભાગના કેસો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.તપાસમાં એ પણ ખુલ્યું છે કે કેટલાક આરોપીઓ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી તેના બદલામાં કમિશન મેળવતા હતા. જ્યારે કેટલાક કિસ્સાઓમાં ગરીબ લોકોના દસ્તાવેજોના આધારે બેંક ખાતા ખોલાવી તેમની બેંક કીટ મેળવી ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી.પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દરેક ખાતાધારકની ભૂમિકા અને સંડોવણીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સામે કાર્યવાહી ન થાય.