"₹1.63 કરોડની સાયબર ઠગાઈનો ભેદ ઉકેલાયો, સુરત સાયબર સેલે ઉત્તરાખંડથી ત્રણ આરોપીની ધરપકડ કરી"
સુરત સાયબર સેલે ₹1.63 કરોડની સાયબર ઠગાઈના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટના નામે લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલી પોલીસે ઉત્તરાખંડના કાશીપુરથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને ઊંચા નફાની લાલચ આપી ફેક ગોલ્ડ ટ્રેડિંગ એપમાં રોકાણ કરાવતા હતા. સમગ્ર કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા સુરત સાયબર સેલે વધુ તપાસ શરૂ કરી છે.
ફેસબુક અને વોટ્સએપથી ફસાવતા, GRGC ફેક એપમાં કરાવતા રોકાણ
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને હાઈ રિટર્નનું પ્રલોભન આપતા હતા. ત્યારબાદ તેઓને GRGC નામની ફેક ગોલ્ડ ટ્રેડિંગ એપમાં રોકાણ કરવા પ્રેરિત કરતા હતા. શરૂઆતમાં નફો મળતો હોવાનો ભાસ કરાવી વિશ્વાસ જીત્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી.
ઉત્તરાખંડના કાશીપુરથી ત્રણ આરોપીની ધરપકડ
સાયબર સેલે ટેક્નિકલ તપાસ અને ડિજિટલ પુરાવાના આધારે ઉત્તરાખંડના કાશીપુરથી મોહમ્મદ સુમેર મોહમ્મદ શાહિદ, મોહમ્મદ ઈઝહાર મોહમ્મદ ઇલિયાસ અને મોહમ્મદ ઉવેશ મોહમ્મદ નસરૂદિનની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
કમિશનની લાલચે બેંક ખાતા ભાડે આપતા હતા
તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરોપીઓ ₹8,500થી ₹20,000ના કમિશનની લાલચે પોતાના અથવા અન્ય લોકોના બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપતા હતા. આ બેંક ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલી રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો, જેના કારણે ઠગો સુધી પહોંચવું મુશ્કેલ બનતું હતું.
સમગ્ર સાયબર રેકેટ સુધી પહોંચવા તપાસ તેજ
સુરત સાયબર સેલે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આ ગેંગ સાથે જોડાયેલા અન્ય સભ્યો, બેંક ખાતા ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિઓ તેમજ ફેક ગોલ્ડ ટ્રેડિંગ એપના સંચાલકો સુધી પહોંચવા માટે તપાસ વિસ્તારી રહી છે. સાયબર સેલે લોકોને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી ઊંચા નફાની લાલચ આપતી કોઈપણ ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ઓફર પર વિશ્વાસ ન કરે અને રોકાણ કરતા પહેલાં તેની સત્તાવાર ચકાસણી અવશ્ય કરે.