સુરત SOGએ રિવોલ્વર સાથે આરોપીને ઝડપ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઉધના વિસ્તારમાં કાર્યવાહી કરીને શિવા ઝાલા ગેંગનો સાગરીત હોવાનો દાવો કરતા એક આરોપીને પાસ-પરવાના વગરની ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી આશરે રૂ.15 હજારની કિંમતની રિવોલ્વર કબજે કરી છે. આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે ઉધના વિસ્તારમાં SOGની કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર સુરત શહેર SOGની ટીમને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે ટીમે ઉધના વિસ્તારમાં આવેલા ભરત ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને બકરામંડી વચ્ચેના રોડ પર વોચ ગોઠવી હતી.
આ દરમિયાન પોલીસે શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતાં પાસ-પરવાના વગરની એક રિવોલ્વર મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. રિવોલ્વરની અંદાજિત કિંમત રૂ.15 હજાર દર્શાવવામાં આવી છે.
પોલીસે હથિયાર કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને રિવોલ્વર ક્યાંથી મેળવવામાં આવી હતી તે અંગે પૂછપરછ શરૂ કરી હતી.
જૂની અદાવતના કારણે રિવોલ્વર ખરીદી હોવાનો દાવો
પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ જૂની અદાવતના કારણે પોતાના પર હુમલો થવાની આશંકા હોવાની વાત કરી હતી. આ કારણસર આશરે આઠથી દસ મહિના પહેલાં એક વોન્ટેડ આરોપી પાસેથી રિવોલ્વર ખરીદી હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હોવાનો દાવો છે.
પોલીસ હવે જે વ્યક્તિ પાસેથી રિવોલ્વર મેળવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેની શોધખોળ સહિત હથિયાર ક્યાંથી આવ્યું અને તેના સપ્લાયમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.
પોલીસ રેકોર્ડ મુજબ ઝડપાયેલા આરોપી સામે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત આરોપી ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક ગુનામાં પણ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે.
સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. SOG દ્વારા આરોપીના અગાઉના ગુનાઓ, રિવોલ્વરના સ્ત્રોત અને અન્ય સંભવિત કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
