"સુરતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF-SDRF સ્ટેન્ડબાય..."
 

સુરતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મિની વાવાઝોડા જેવી સ્થિતિ, અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશનર એમ. નાગરાજે પત્રકાર પરિષદ યોજી તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારીઓ અંગે માહિતી આપી હતી. હવામાન વિભાગની આગાહીને આધારે શહેરમાં વિવિધ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

મનપા દ્વારા આગોતરી તૈયારીઓ પૂર્ણ

સુરતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ  બન્યું છે, NDRF-SDRF ટીમો સ્ટેન્ડબાય, જોખમી હોર્ડિંગ્સ, વૃક્ષો અને વીજપોલ દૂર કરાયા.
પાલિકા કમિશનર એમ. નાગરાજે જણાવ્યું કે હવામાન વિભાગે સુરત માટે આજે ઓરેન્જ એલર્ટ અને 31 જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ વખતે ભારે વરસાદ સાથે તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા હોવાથી મનપાએ આગોતરા સુરક્ષા પગલાં લીધા છે.

શહેરમાં અકસ્માતો ટાળવા માટે 155 જોખમી હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત 102 જોખમી વૃક્ષોનું કટિંગ અથવા દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 100થી વધુ જોખમી વીજપોલને પણ હટાવવામાં આવ્યા છે જેથી ભારે પવન દરમિયાન જાનમાલનું નુકસાન ન થાય.

NDRF-SDRF સહિત રાહત ટીમો સ્ટેન્ડબાય

ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે વિશેષ ટીમો તૈયાર રાખવામાં આવી છે. NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. વેપારી સંગઠનો સાથે પણ સંપર્ક રાખીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

શહેરમાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે વધારાના ડીવોટરિંગ પંપ અને JCB મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. ડુમસ સી-ફેસને સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે. મનપા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે જેથી જરૂરિયાત સમયે નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ અને મદદ સમયસર મળી શકે.

મનપા કમિશનરે નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.