સુરતના કતારગામ સ્થિત પટેલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બાઇક ટોઇંગનો CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ટ્રાફિક રિજન-1ના ACP વી.પી. ગામીતે સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં કોઈપણ દંડાત્મક કાર્યવાહી કર્યા વગર બાઇકો પરત સોંપવામાં આવી હતી.
કતારગામમાં બાઇક ટોઇંગનો CCTV વાયરલ, ટ્રાફિક ACPએ ઘટનાક્રમ અંગે કરી સ્પષ્ટતા
મળતી માહિતી મુજબ, કતારગામના પટેલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલી બાઇકો અંગે ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતાની સાથે જ ટ્રાફિક શાખા રિજન-2ની ક્રેનને સ્થળ પર મોકલવામાં આવી હતી. ક્રેનના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને નિયમોનો ભંગ કરતી બે બાઇકોને કબ્જે લીધી હતી.
આ દરમિયાન બાઇકચાલકો અને ફરિયાદી વચ્ચે પાર્કિંગના મુદ્દે સામાન્ય બોલાચાલી અને વિવાદ સર્જાયો હતો. જોકે, ટ્રાફિક પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે ચર્ચા કરીને મામલો સ્થળ પર જ શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેવામાં આવ્યો હતો. સમાધાન બાદ ફરિયાદીએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને બંને પક્ષો તરફથી કોઈ વધુ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી નહોતી.
ટ્રાફિક ACP વી.પી. ગામીતે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં પોલીસે કોઈપણ પ્રકારનો દંડ વસૂલ કર્યો નહોતો તેમજ કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી નહોતી. કબ્જે લેવામાં આવેલી બંને બાઇકો તાત્કાલિક તેમના માલિકોને પરત સોંપી દેવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસ અને ક્રેનના કર્મચારીઓ સ્થળ પરથી પરત ફર્યા હતા.
ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જાહેર માર્ગો અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાહનો નિયમ મુજબ પાર્ક કરે જેથી ટ્રાફિકમાં અવરોધ ઊભો ન થાય અને આવી કાર્યવાહી કરવાની જરૂર ન પડે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે આડેધડ પાર્કિંગ સામે નિયમિત કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દરેક કાર્યવાહી કાયદાના નિયમો મુજબ અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.