સુરતમાં એનાલોગ પનીર-ચીઝ સામે મનપાની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. પનીર એનાલોગ અને ચીઝ એનાલોગ પર પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મનપાની અલગ-અલગ ટીમોએ શહેરના તમામ નવ ઝોનમાં તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. એક જ દિવસમાં કુલ 98 દુકાનો, હોટલ અને ખાદ્ય એકમોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મળી આવેલા આશરે 30 કિલોગ્રામ એનાલોગ પનીર અને ચીઝનો નાશ કરવામાં આવ્યો હતો.
નવ ઝોનમાં 98 દુકાનોની તપાસ
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના સેન્ટ્રલ, રાંદેર, અઠવા, કતારગામ, વરાછા-એ, વરાછા-બી, ઉધના-એ, ઉધના-બી અને લિંબાયત ઝોનમાં એકસાથે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમોએ વિવિધ દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય એકમોમાં ઉપયોગમાં લેવાતા પનીર તથા ચીઝની તપાસ કરી હતી. ખાસ કરીને પ્રતિબંધિત એનાલોગ પનીર અથવા ચીઝનો ઉપયોગ અને વેચાણ થઈ રહ્યું છે કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અલગ-અલગ સ્થળેથી મળી આવેલા કુલ 30 કિલોગ્રામ એનાલોગ પનીર અને ચીઝનો મનપાની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.
વેપારીઓને નિયમોનું પાલન કરવા સૂચના
ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મનપાના ફૂડ વિભાગ દ્વારા વેપારીઓ, હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને પ્રતિબંધિત એનાલોગ ડેરી ઉત્પાદનોનું વેચાણ કે ઉપયોગ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખાદ્યપદાર્થોની ખરીદી કરતી વખતે તેની ગુણવત્તા અને સ્ત્રોત અંગે પણ જરૂરી તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.
પનીર અને ચીઝનો ઉપયોગ સુરતમાં મોટા પ્રમાણમાં હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ સેન્ટર અને સ્ટ્રીટ ફૂડમાં કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
મનપાના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નહીં રહે. આગામી દિવસોમાં પણ વિવિધ ઝોનમાં દુકાનો અને ખાદ્ય એકમોની તપાસ ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે લાગુ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરના લોકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
