"સુરતમાં નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણનો પર્દાફાશ કર્યો.."

સુરતમાં નશાકારક દવાઓનું ઓનલાઈન વેચાણ ઝડપાયું, સુરત નશાકારક દવાઓ ઓનલાઈન વેચાણ મામલે સરથાણા પોલીસે કાર્યવાહી કરીને આંતરરાજ્ય સ્તરે ચાલતા કથિત કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સરથાણા જકાતનાકા નજીક આવેલા ગોકુલમ આર્કેડની દુકાનમાં રેડ કરી નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 200થી વધુ દવાના પેકેટ્સ અને 3 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આરોપીએ તમિલનાડુમાં 1000થી વધુ ટાપેન્ટાડોલની ગોળીઓ સપ્લાય કરી હોવાનું સામે આવ્યું છે.

ગોકુલમ આર્કેડની દુકાનમાં સરથાણા પોલીસની રેડ

200થી વધુ દવાના પેકેટ્સ અને 3 લેપટોપ સાથે નિકુંજ ગજેરા ઝડપાયો, તમિલનાડુમાં 1000થી વધુ ગોળીઓ સપ્લાય કર્યાનો ખુલાસો.

સરથાણા જકાતનાકા નજીક આવેલા ગોકુલમ આર્કેડની દુકાન નંબર 110માં શંકાસ્પદ અને ગેરકાયદેસર દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે સરથાણા પોલીસે સ્થળ પર રેડ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન નિકુંજ ગજેરા નામનો શખ્સ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના શિડ્યૂલ H1 કેટેગરીની દવાઓનો જથ્થો રાખીને બેઠો હતો. આરોપી અલગ-અલગ ઓનલાઈન પ્લેટફોર્મ્સ મારફતે આ દવાઓનું વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી 200થી વધુ દવાના પેકેટ્સ અને ત્રણ લેપટોપ જપ્ત કર્યા છે. ઝડપાયેલા જથ્થામાં સિલ્ડેનાફિલ, ટાપેન્ટાડોલ અને વિવિધ પેઇન રિલિવર ઓપિઓઇડ ટેબ્લેટ્સનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.

તમિલનાડુમાં 1000થી વધુ ગોળીઓ સપ્લાય કર્યાનો ખુલાસો

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ તમિલનાડુમાં 1000થી વધુ ટાપેન્ટાડોલની ગોળીઓ સપ્લાય કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ આ ગોળીઓ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓ તેનો કોલ્ડ્રિંક્સ તથા ફ્રૂટ જ્યુસમાં ઉપયોગ કરીને નશો કરતા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને પણ તપાસમાં સામેલ કર્યું છે. જપ્ત કરવામાં આવેલી ગોળીઓનું FSL પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

દવાઓમાં નાર્કોટિક્સનું પ્રમાણ હોવાનું પરીક્ષણમાં સાબિત થશે તો આરોપી સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ ઓનલાઈન વેચાણના નેટવર્ક અને દવાઓના સપ્લાય સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.