સુરતમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે કમિશનરની સ્થળ મુલાકાત, અધિકારીઓને તાત્કાલિક નિકાલના આદેશ
સુરતમાં સતત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાના કમિશનરે વહેલી સવારથી જ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઉધના-નવસારી રોડ સહિત વિવિધ સ્થળોએ પહોંચી તેમણે વરસાદી પાણીના નિકાલની કામગીરીની સમીક્ષા કરી હતી. વારંવાર પાણી ભરાવાની સમસ્યાને ગંભીરતાથી લઈ કમિશનરે સંબંધિત ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉધના-નવસારી રોડ પર પરિસ્થિતિનું નિરીક્ષણ
સુરતમાં વરસાદ બાદ પાણી ભરાયેલા વિસ્તારોની પાલિકા કમિશનરે વહેલી સવારથી સ્થળ મુલાકાત લીધી. ઉધના-નવસારી રોડ સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ દરમિયાન અધિકારીઓની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક પાણીનો નિકાલ કરવા અને વરસાદ દરમિયાન ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપી.વહેલી સવારથી જ સુરત મહાનગરપાલિકાના કમિશનરે ઉધના-નવસારી રોડ સહિત વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્થળ પર પાણી ભરાવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. વરસાદી પાણીના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી.
અધિકારીઓની કામગીરી પર વ્યક્ત કરી નારાજગી
વારંવાર એક જ સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સામે આવતાં કમિશનરે ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી અને વરસાદી પાણીના નિકાલમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા સ્પષ્ટ જણાવ્યું હતું.
તાત્કાલિક પાણી નિકાલ માટે ટીમોને સજ્જ રાખવા સૂચના
કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી કે જ્યાં પણ વરસાદ દરમિયાન પાણી ભરાય ત્યાં તાત્કાલિક મશીનરી અને ટીમોને દોડાવી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે. વરસાદી પરિસ્થિતિ દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે તમામ ઝોનમાં સતત મોનિટરિંગ રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
કમિશનરની મુલાકાત બાદ પાલિકા તંત્ર દોડતું થયું
કમિશનરની વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં થયેલી અચાનક સ્થળ મુલાકાત બાદ પાલિકાના અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દોડતા થઈ ગયા હતા. શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી વધુ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં પણ સતત દેખરેખ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.