"સુરતમાં સરકારી અનાજ કાળાબજારી મામલે ત્રણ સામે ગુનો.."

સુરત સરકારી અનાજ કાળાબજારીનો મામલો સિંગણપોર-ડભોલી વિસ્તારમાં સામે આવ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ફાળવવામાં આવતા સરકારી અનાજની કથિત હેરાફેરી મામલે K-40 સરકારી અનાજની દુકાનના સંચાલક સહિત ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પુરવઠા વિભાગની તપાસ દરમિયાન અનાજની હેરાફેરી સામે આવ્યા બાદ મામલતદાર દ્વારા લગભગ છ મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

₹2.35 લાખનો ઘઉંનો જથ્થો જપ્ત

મળતી વિગતો મુજબ ડભોલી વિસ્તારમાં હરિદર્શનના ખાડામાં આવેલી સરકારી અનાજની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પો તેમજ દુકાનના ઓટલા પરથી મોટી માત્રામાં ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.

આ કાર્યવાહીમાં આશરે ₹2 લાખ 35 હજારની કિંમતનો ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ટેમ્પો ડ્રાઇવર મંજેરામ યાદવ પાસે સરકારી અનાજના 126 કટ્ટા ભરાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં ત્યાં હાજર લોકો ભાગી છૂટ્યા હોવાનું પણ જણાવાયું છે. ત્યારબાદ પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

દુકાન સંચાલક અને તોલાટ સહિત ત્રણ સામે ગુનો

પુરવઠા વિભાગની તપાસ દરમિયાન સરકારી અનાજની કાળાબજારી અને હેરાફેરીનો મામલો સામે આવ્યા બાદ કાંતિલાલ વસાવા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે સરકારી અનાજની દુકાનના સંચાલક હેમલતાબેન અમૃતભાઈ પટેલ, તોલાટ હિમાંશુ લીમ્બાચીયા અને કૈલાસ ખટીક સામે ગુનો નોંધ્યો હોવાનું જણાવાયું છે. ત્રણેય સામે ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા અનાજની કથિત કાળાબજારીનો મામલો સામે આવતાં પુરવઠા વ્યવસ્થાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. ખાસ કરીને પુરવઠા વિભાગની તપાસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં લગભગ છ મહિનાનો સમય લાગ્યો હોવાની વિગતો પણ સામે આવી છે.

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી અનાજનો જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો અને સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ તપાસ બાદ વધુ સ્પષ્ટ થઈ શકે છે.