સુરત ક્રાઇમ બ્રાન્ચને સરકારી ક્વોટામાં સસ્તા દરે ફ્લેટ અપાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ સામે મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી પુરુષોત્તમ પ્રભાકર ચવ્હાણની મુંબઈની આર્થર રોડ જેલમાંથી પ્રોડક્શન વોરંટના આધારે ધરપકડ કરી છે. આરોપી સામે પીડિત સાથે કુલ રૂ.2 કરોડ 15 લાખ 17 હજાર 300 રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
સરકારી ક્વોટામાં ફ્લેટ અપાવવાના નામે ₹2.15 કરોડની ઠગાઈ, મુખ્ય સૂત્રધાર આર્થર રોડ જેલમાંથી ઝડપાયો..
સરકારી ક્વોટામાં સસ્તા ફ્લેટ અપાવવાના બહાને ₹2.15 કરોડની ઠગાઈ કરનાર મુખ્ય આરોપી પુરુષોત્તમ ચવ્હાણને સુરત ક્રાઇમ બ્રાન્ચે આર્થર રોડ જેલમાંથી ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ મુંબઈના આઇલેન્ડ સિટી સેન્ટર (ICC-1) પ્રોજેક્ટમાં સરકારી ક્વોટા હેઠળ સસ્તા દરે ફ્લેટ અપાવવાની લાલચ આપી પીડિતનો વિશ્વાસ જીત્યો હતો. વિશ્વાસ ઉભો કરવા માટે આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ તેમજ ગૃહ નિર્માણ વિભાગના નામે બનાવટી પત્રો, મંજૂરીપત્રો અને અન્ય દસ્તાવેજો બનાવી સમગ્ર કાવતરાને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન આ ઠગાઈમાં દીપક મોરે, ઉમેશ માંજરેકર સહિત અન્ય સાગરિતોની સંડોવણી પણ સામે આવી છે. સમગ્ર ગેંગ સંગઠિત રીતે કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુખ્ય આરોપી પુરુષોત્તમ પ્રભાકર ચવ્હાણની 15 જુલાઈ, 2026ના રોજ પ્રોડક્શન વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 18 જુલાઈ, 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ આરોપીએ મેળવેલી કરોડોની રકમ ક્યાં રોકાણ કરી, ખોટા દસ્તાવેજો કોણે તૈયાર કર્યા, ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અગાઉ પણ આવી ઠગાઈ કરવામાં આવી છે કે નહીં તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે સરકારી ક્વોટામાં સસ્તા ફ્લેટ, પ્લોટ અથવા અન્ય સરકારી યોજનાઓના નામે લાલચ આપતા અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરે. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતાં પહેલાં સંબંધિત વિભાગમાંથી સત્તાવાર માહિતીની ચકાસણી કરવી અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ.