સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના BRTS રોડ પર અચાનક વિશાળ ભુવો પડતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભુવામાં BRTS બસના પાછળના ટાયર ખૂપી જતાં બસ રસ્તા વચ્ચે જ અટવાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે, ઘટનાએ માર્ગની ગુણવત્તા અને તાજેતરમાં થયેલી ડ્રેનેજ કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.
સુરતના કાપોદ્રા BRTS રોડ પર વિશાળ ભુવો, બસના પાછળના ટાયર ખૂપતાં મોટી દુર્ઘટના ટળી..
કાપોદ્રા BRTS રોડ પર વિશાળ ભુવો પડ્યો ., મળતી માહિતી મુજબ, કાપોદ્રાના રચના BRTS માર્ગ પર અચાનક રસ્તો ધસી પડતાં વિશાળ ભુવો સર્જાયો હતો. તે સમયે પસાર થઈ રહેલી BRTS બસના પાછળના ટાયર ભુવામાં ફસાઈ જતાં બસ આગળ વધી શકી નહોતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભુવો અંદાજે 30થી 35 ફૂટ ઊંડો અને 45થી 50 ફૂટ પહોળો છે. ભુવાનું કદ એટલું મોટું હોવાનું જણાવાયું છે કે તેમાં આખી બસ સમાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાને કારણે BRTS માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે થોડા સમય પહેલાં જ આ સ્થળે ડ્રેનેજ લાઇન સંબંધિત કામગીરી કરવામાં આવી હતી., તેમના મતે, કામગીરી બાદ યોગ્ય રીતે રસ્તાનું પુનઃનિર્માણ ન થતાં વરસાદી પરિસ્થિતિમાં જમીન બેસી ગઈ અને તેના પરિણામે આ વિશાળ ભુવો પડ્યો છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી નથી.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે ઘટનાની જાણ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને મેયરને કરવામાં આવી હતી. તેમનો આક્ષેપ છે કે જાણ કર્યા બાદ પણ મેયરે હજુ સુધી સ્થળની મુલાકાત લીધી નથી.
ઘટના બાદ સુરક્ષા દૃષ્ટિએ વિસ્તારને બેરિકેડ કરીને વાહનવ્યવહારને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગ દ્વારા ભુવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે અને રસ્તાનું સમારકામ હાથ ધરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે...