ફૂડ સેફ્ટી વિભાગે સુરેન્દ્રનગરની હોટલ, રેસ્ટોરન્ટ, ફેક્ટરી અને ગોડાઉનમાં તપાસ કરી પનીર, ચીઝ અને બટરના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા.
સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીર સામે ફૂડ વિભાગની તપાસ તેજ કરવામાં આવી છે. એનાલોગ અને ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનોના વેચાણ તથા ઉપયોગની આશંકાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અને હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટીમોએ હોટલ, રેસ્ટોરન્ટ, પનીર-ચીઝ-બટરનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ તેમજ ડિસ્ટ્રિબ્યુટરોના ગોડાઉનમાં ઓચિંતી તપાસ કરી હતી. આ દરમિયાન પનીર, ચીઝ અને બટર સહિત વિવિધ ખાદ્યપદાર્થોના નમૂના લઈને ગુણવત્તા અને ભેળસેળની ચકાસણી માટે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
હોટલ, રેસ્ટોરન્ટ અને ફેક્ટરીઓમાં સઘન ચેકિંગ
બજારમાં અસલી પનીરના બદલે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય ઘટકોમાંથી તૈયાર કરવામાં આવતા એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોવાની આશંકાને પગલે ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમોએ હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા પનીર, ચીઝ અને બટરની ચકાસણી કરી હતી. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સ બનાવતા ઉત્પાદન એકમો અને ડિસ્ટ્રિબ્યુટરોના ગોડાઉનમાં પણ તપાસ કરવામાં આવી હતી.
નમૂના સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલાયા
અધિકારીઓ દ્વારા શંકાસ્પદ અને તપાસ માટે જરૂરી પનીર, ચીઝ તથા બટરના નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને ગુણવત્તા અને ભેળસેળની તપાસ માટે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ સ્પષ્ટ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો નથી. જોકે લેવામાં આવેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ઉત્પાદનોની ગુણવત્તા અને તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં તે અંગે હકીકત સ્પષ્ટ થશે.
ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈ નમૂનો ભેળસેળયુક્ત, નિયમોનું ઉલ્લંઘન કરતો અથવા ગ્રાહકોના આરોગ્ય માટે હાનિકારક હોવાનું સામે આવશે તો સંબંધિત વેપારી, હોટલ-રેસ્ટોરન્ટ સંચાલક અથવા ઉત્પાદક સામે લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ તપાસ ઝુંબેશનો મુખ્ય હેતુ બજારમાં વેચાતા ડેરી ઉત્પાદનોની ગુણવત્તા જાળવવાનો અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે.
