તાપી જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે મોટી કાર્યવાહી
તાપી જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલસીબી તાપીની ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી એક બોલેરો પિકઅપ ટેમ્પો શાકભાજીના વેશમાં દારૂનો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે એલસીબી તાપીએ અલગ અલગ ટીમો બનાવી ઉચ્છલ સાકરદા પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ બોલેરો પિકઅપ નંબર MP-11-ZF-6544ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાં શાકભાજીના કચરાના થેલાઓની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 117 બોક્સમાં ભરેલી 4560 બોટલ અને કેન મળી કુલ રૂ. 8 લાખ 71 હજારથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો.આ ઉપરાંત મોબાઈલ ફોન, વાહન અને અન્ય સામાન મળી કુલ રૂ. 11 લાખ 56 હજાર 404 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી લોકેશ ગિરધારી માલીવાડ અને મોતિયા નાનસિંગ ગિરવાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.