કુકરમુંડામાં રૂ. 4.47 લાખની ઘરફોડ ચોરીનો મુદ્દામાલ ખરીદાર ઝડપાયોદિવાલમાં બાકોરું પાડી ચોરી કરવામાં આવી હતી.તાપી જિલ્લામાં આવેલા કુકરમુંડા પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં વધુ એક મહત્વની સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર અને વોન્ટેડ જાહેર કરાયેલા નટવરભાઈ મોહનભાઈ નિકુમ (રહે. કુસમાળા, તા.શાહદા, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેબ્રુઆરી-2025 દરમિયાન કુકરમુંડા શ્રીરામ ચોક ખાતે રહેતા રવિન્દ્રભાઈ પ્રહલાદભાઈ કુંભારના ઘરે દિવાલમાં બાકોરું પાડી 4 લાખ રોકડ રકમ,સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.4.47 લાખનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા પાંચ બાળકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં ચોરીના મુદ્દામાલનો અમુક ભાગ નટવરભાઈએ લીધો હોવાનું સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર આઈ. ડી. દેસાઈની ટીમે આરોપીને ઝડપી પાડી કોર્ટમાંથી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ દ્વારા ચોરીમાં ગયેલા બાકીના મુદ્દામાલની રિકવરી માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.