મૌલીપાડા-આમોદા ગામની શાળા અને આંગણવાડીમાં વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોએ પાક્કી RCC ગટર બનાવી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકાના મૌલીપાડા-આમોદા ગામમાં ગંભીર બની છે. ભારે વરસાદની આગાહી વચ્ચે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલી પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર નંબર-1ના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શિક્ષણ કાર્ય તેમજ બાળકોની સુરક્ષા બંને પર અસર જોવા મળી રહી છે.
વરસાદી પાણીના નિકાલના અભાવે વધી મુશ્કેલી
ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષો પહેલાં અહીં ડબલ ગટર લાઇન બનાવવામાં આવી હતી. સમય જતાં ગટર જર્જરિત બનતા તેના સ્થાને નાના પાઇપ નાખીને કાચી ગટર બનાવવામાં આવી હતી. જોકે, આ વ્યવસ્થા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નિષ્ફળ રહી છે. પરિણામે શાળાના મેદાનમાં પાણી ભરાઈ રહે છે અને વિદ્યાર્થીઓને શાળામાં આવવા-જવા તેમજ રમવા-ફરવામાં મુશ્કેલી પડે છે.
ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પેવર બ્લોક બેસાડતી વખતે ટ્રેક્ટર ગટરમાં ફસાઈ જતા પાઇપ તૂટી ગયા હતા. ત્યારબાદ સમારકામ કર્યા વિના તેના ઉપર જ પેવર બ્લોક બેસાડી દેવામાં આવ્યા હતા, જેના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બની છે.
રહેણાંક મકાનો અને મધ્યાહન ભોજન પર પણ અસર
વરસાદી પાણી માત્ર શાળાના મેદાન સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ આસપાસના રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાના મધ્યાહન ભોજનના શેડમાં પણ પાણી ટપકતું હોવાથી બાળકોના ભોજન અને સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા વધી છે.
કેટલાક વાલીઓને પોતાના બાળકોને અભ્યાસ માટે અન્ય ગામની શાળામાં મોકલવાની ફરજ પડી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત અને તાલુકા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. અધિકારીઓએ સ્થળ મુલાકાત પણ લીધી છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી.
ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પાક્કી RCC ગટર લાઇન બનાવી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ, આંગણવાડીના બાળકો અને સ્થાનિક લોકોને રાહત મળી શકે.