તાપીમાં રેડ જંગલ ફોઉલ બ્રિડિંગ સેન્ટરની સફળતા.....
તાપી જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વન વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સોનગઢ તાલુકાના સાદડવેલ રેન્જ ખાતે શરૂ કરાયેલા રેડ જંગલ ફોઉલ બ્રિડિંગ સેન્ટરે ટૂંકા ગાળામાં જ નોંધપાત્ર સફળતા મેળવી છે. વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવા માટે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને મહત્વ આપતાં તાપી વન વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.સોનગઢ તાલુકાના ગુડી રૂવાડી ગામમાં સાદડવેલ રેન્જ હેઠળ "રેડ જંગલ ફોઉલ બ્રિડિંગ સેન્ટર, ઘુંટવેલ" કાર્યરત કરવામાં આવ્યું છે.નવેમ્બર 2025માં શરૂ કરાયેલા આ કેન્દ્રમાં જંગલી મરઘીઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.શરૂઆતમાં 10 નર અને 15 માદા મળી કુલ 25 જંગલી મરઘીઓને કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.યોગ્ય આહાર, નિયમિત કાળજી અને રસીકરણના કારણે આજે તેમની સંખ્યા વધીને અંદાજે 70 સુધી પહોંચી ગઈ છે.વન વિભાગ દ્વારા સંવર્ધિત પુખ્ત વયની જંગલી મરઘીઓને આગામી સમયમાં જિલ્લાના વિવિધ વનવિસ્તારોમાં મુક્ત કરવામાં આવશે.આ પહેલનો મુખ્ય હેતુ જંગલની આહાર શૃંખલાને મજબૂત બનાવવાનો અને દીપડા સહિતના માંસાહારી વન્યજીવોને કુદરતી ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે.વન્યજીવોને જંગલમાં જ પૂરતો ખોરાક મળતા તેઓ માનવ વસાહતો તરફ ઓછા આવશે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષમાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યો છે.નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. પ્રસાદ પાટીલ, વન રક્ષક કોમલબેન સારદિયા અને સમગ્ર ટીમ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સતત કાર્યરત છે.