"તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, શૈક્ષણિક સંસ્થાઓમાં રજા..."
 

તાપીમાં રેડ એલર્ટ વચ્ચે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ,
તાપીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર થતાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ હાઈ એલર્ટ પર આવી ગયું છે. હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા તાપી જિલ્લામાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે. સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે SDRFની ટીમો, રેસ્ક્યૂ બોટ અને આપદા મિત્રોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારીઓ

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો અને તલાટીઓ મારફતે લોકોને નદી-નાળા, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લામાં SDRFની બે ટીમોને પાંચ રેસ્ક્યૂ બોટ અને આધુનિક બચાવ સાધનો સાથે તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત વ્યારા અને સોનગઢ ફાયર વિભાગની ટીમોને પણ રેસ્ક્યૂ બોટ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય.

98 શેલ્ટર હોમ અને 180 આપદા મિત્રો તૈયાર

સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારો માટે જિલ્લામાં કુલ 98 શેલ્ટર હોમ તૈયાર રાખવામાં આવ્યા છે. જરૂરિયાત મુજબ સ્થળાંતરિત લોકોને ફૂડ પેકેટ, પીવાનું પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જિલ્લામાં 180 તાલીમબદ્ધ આપદા મિત્રોને લાઇફ જેકેટ અને અન્ય બચાવ સાધનો સાથે તાલુકા કક્ષાએ તૈયાર રાખવામાં આવ્યા છે. માર્ગો પર વૃક્ષો પડવાની અથવા અન્ય અવરોધો સર્જાય તો તેને તાત્કાલિક દૂર કરવા માર્ગ-મકાન વિભાગ, વન વિભાગ અને પોલીસ વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત DGVCL સહિતની આવશ્યક સેવાઓ અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.