સુરતના ઉધના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક મરાઠી માધ્યમ શાળા નંબર 201માં આજે એક ગંભીર ઘટના બની હતી.પ્રાથમિક માહિતી મુજબ શાળામાં અભ્યાસ કરતા 11 વર્ષીય વિદ્યાર્થી શિવમ ભાલેરાવ પર અજાણ્યા કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો.હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.પોલીસ હુમલાખોર કોણ હતો, તે શાળાનો વિદ્યાર્થી હતો કે બહારનો વ્યક્તિ તેમજ હુમલાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ કરી રહી છે.ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની માતા સંગીતા ભાલેરાવે આક્ષેપ કર્યો હતો કે બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવત રાખીને તેમના પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ઘટના સમયે શાળામાં શિક્ષકો હાજર હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.શાળામાં કોઈ વિદ્યાર્થી અથવા કિશોર ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે પ્રવેશી શકે તે ખૂબ જ ગંભીર બાબત હોવાનું માતાએ જણાવ્યું હતું.માતાએ વધુમાં કહ્યું કે શાળામાં આવી પ્રકારની ઘટના બનવી અત્યંત ખતરનાક છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.