ઉપલેટામાં વાયરલ અને પાણીજન્ય રોગોના કેસમાં તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બેવડી ઋતુ અને બદલાતા હવામાનની અસર લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. સરકારી કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલ દરરોજ એક હજારથી વધુ દર્દીઓની OPD નોંધાઈ રહી છે. દર્દીઓની ભારે ભીડને કારણે કેસબારી, દવાબારી, લેબોરેટરી અને ડૉક્ટર રૂમની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.
તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઊલટીના કેસ વધ્યા
ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા હવામાનને કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઊલટી અને ઠંડી જેવી તકલીફો સાથે મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. પાણીજન્ય અને વાયરલ બીમારીઓના વધતા કેસને કારણે સરકારી કોટેજ હોસ્પિટલમાં સવારથી જ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
દૂષિત પાણી અને બહારના ખાદ્યપદાર્થોના સેવનને કારણે પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાનું જણાવાયું છે. ખાસ કરીને વરસાદી વાતાવરણ અને ઋતુમાં થતા ફેરફાર વચ્ચે આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ગયા મહિને ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં 30 હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી હતી. હાલ પણ રોજના એક હજારથી વધુ દર્દીઓ સારવાર અને નિદાન માટે હોસ્પિટલ આવી રહ્યા છે.
દર્દીઓની ભીડ વચ્ચે હોસ્પિટલ તંત્ર ખડેપગે
દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાત તબીબો અને જરૂરી સ્ટાફને પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
કોટેજ હોસ્પિટલના અધિક્ષક ડૉ. ખ્યાતિ કેશવાલા સહિતની ટીમ દર્દીઓને સારવાર આપવા માટે ખડેપગે કામગીરી કરી રહી છે. મોટી સંખ્યામાં દર્દીઓ આવતાં કેસબારીથી લઈને ડૉક્ટર રૂમ સુધી લાંબી કતારો જોવા મળી રહી છે.
તબીબોએ લોકોને પાણીજન્ય બીમારીઓથી બચવા માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. લોકોને શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવા તેમજ બહારના ખાદ્યપદાર્થોનું સેવન ટાળવા જણાવવામાં આવ્યું છે. તાવ, ઝાડા-ઊલટી કે અન્ય લક્ષણો જણાય તો સમયસર તબીબી સલાહ અને સારવાર લેવા પણ અપીલ કરવામાં આવી છે.
