સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા "નો ડ્રગ ઇન સુરત સિટી" અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. પોલીસે એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે કઠોરગામ ખાતે નેશનલ હાઇવે નજીક માનસરોવર રેસિડન્સીના ગેટ પાસે એક શખ્સ એમ.ડી. ડ્રગ્સના વેચાણ માટે આવવાનો છે.બાતમીના આધારે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સરકારી પંચોની હાજરીમાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન મોહમદ અલી સુલેમાન મન્સુરી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી 38.37 ગ્રામ મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો, એક મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ 88 હજાર 100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.સુરત શહેરમાં ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.