સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલી કરોડોની જમીનના સોદામાં મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જમીન ખરીદવા માટે 1.25 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં જમીન અન્ય વ્યક્તિને વેચી મારવામાં આવતા ઇકો સેલે જમીન દલાલની ધરપકડ કરી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જમીનના સોદામાં 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે.ફરિયાદી સંજય ભાઉવાલાએ જમીન ખરીદવા માટે પટેલ પરિવારને અંદાજે 1 કરોડ 26 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે રૂપિયા લીધા બાદ પણ આરોપીઓએ ફરિયાદીને અંધારામાં રાખી જમીનનો સાટાખત બનાવી અન્ય વ્યક્તિને વેચી મારી હતી.આ મામલે સંજય ભાઉવાલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેસની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું કે જમીન દલાલ ઇલિયાસ અબ્દુલહૈ કાકાએ ફરિયાદી અને જમીન માલિકો વચ્ચે સોદો કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આરોપીએ જમીનના મૂળ માલિકો જમીન વેચવા માંગતા હોવાની વાત કરી ફરિયાદીનો સંપર્ક અન્ય આરોપીઓ સાથે કરાવ્યો હતો. ત્યારબાદ કરોડો રૂપિયાનો વ્યવહાર થયા છતાં જમીન અન્યને વેચી મારવામાં આવી હતી.ઇકો સેલે આ કેસમાં જમીન દલાલ ઇલિયાસ અબ્દુલહૈ કાકાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સમગ્ર છેતરપિંડી કેસમાં અનેક આરોપીઓ સામે ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલી રહી છે.