ભરૂચ શહેર "સી" ડિવિઝન પોલીસે એક્ટીવા મોપેડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ચોરીમાં ગયેલા વાહન સાથે ઝડપી પાડ્યો છે. ગઈ તા. 29/06/2026ના રોજ સોન તલાવડી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા વિજયભાઈ પુનમભાઈ વસાવા (ઉ.વ. 42)એ ફરિયાદ નોંધાવી હતી કે તા. 18/06/2026ના રોજ સવારે 7:20થી સાંજે 8:00 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમણે ભરૂચના જયોતિનગર ત્રણ રસ્તા પાસે અમિ લેબોરેટરીની સામે પાર્ક કરેલું તેમનું એક્ટીવા મોપેડ નં.GJ-16-DN-9346 અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ફરિયાદના આધારે "સી" ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી VISWAS (Video Integration & State Wide Advance Security) પ્રોજેક્ટ હેઠળના CCTV કેમેરાના ફૂટેજની મદદથી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી. સાથે જ ખાનગી બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા હતા. દરમિયાન નાઇટ રાઉન્ડ દરમિયાન શીતલ સર્કલ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ચોરીમાં ગયેલું એક્ટીવા લઈને પસાર થઈ રહેલા એક શખ્સને પોલીસે રોક્યો હતો. વાહનની માલિકી અંગે પૂછપરછ કરતાં તે કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. ત્યારબાદ ઇ-ગુજકોપ (પોકેટકોપ)માં તપાસ કરતાં વાહન ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. કડક પૂછપરછમાં આરોપીએ તા.18/06/2026ના રોજ જયોતિનગર ત્રણ રસ્તા પાસે અમિ લેબોરેટરીની સામે પાર્ક કરેલું એક્ટીવા ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પ્રથમભાઈ મહેશભાઈ પટેલ (ઉ.વ. 21), રહે. ધોળીકૂઈ, મહાદેવ મંદિર પાસે, મામા ફૂટવેર સામે, ભરૂચની ધરપકડ કરી તેની પાસેથી ₹40,000 કિંમતનું એક્ટીવા મોપેડ અને ₹5,000 કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ ₹45,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.