દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચ ના અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં કુલ 70 જેટલા પોલિયો બુથ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યારે 280 જેટલા આરોગ્ય કર્મચારીઓ રસીકરણની કામગીરીમાં જોડાયા હતા.જીઆઈડીસીના ગોલ્ડન પોઇન્ટ અને શહેરની ગોયા બજાર શાળામાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રસંગે બાળકોના નિષ્ણાત તબીબ ડો. સતીશ ગુપ્તા અને પાલિકાના દંડક ભાવેશ કાયસ્થની ઉપસ્થિતિમાં શૂન્યથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાયો હતો.પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને રસી અપાવવા પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે તમામ વાલીઓને પાંચ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકને પોલિયોની રસી જરૂર અપાવવાની અપીલ કરી હતી.
0થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં અપાયા