વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વ્યારા ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગત 12 વર્ષમાં દેશની તસવીર અને તકદીર બંને બદલાઈ છે.તેમણે જણાવ્યું કે ટેકનોલોજી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાખો નકલી લાભાર્થીઓને દૂર કરી કરોડો રૂપિયાની બચત કરવામાં સફળતા મળી છે.સરકારની પ્રાથમિકતા ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.દેશમાં 81 કરોડ લોકોને મફત રાશન, 4 કરોડ પાકા મકાનો અને 11 કરોડથી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવ્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.આદિજાતિ વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ બજેટ અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.તેમણે "વિકસિત ભારત 2047"ના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.પત્રકાર પરિષદમાં સાંસદ પરભુભાઈ વસાવા, ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.