ભારે વરસાદથી ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો પડતાં સુરતના વેપારીઓને ફરી એકવાર આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની સીધી અસર જોવા મળી છે. છેલ્લા પાંચ દિવસથી મુંબઈ હાઈવે પર માલવાહક ટ્રકો અટવાઈ જતાં હજારો પાર્સલો સમયસર ગંતવ્ય સ્થળે પહોંચી શક્યા નથી. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે.
200 ટ્રકો અને 65 હજાર પાર્સલો અટવાયા
ભારે વરસાદથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો. 200 જેટલી ટ્રકો અને 65 હજાર પાર્સલો અટવાતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું.
માહિતી મુજબ છેલ્લા પાંચ દિવસમાં મુંબઈ હાઈવે પર અંદાજે 180થી 200 જેટલી માલવાહક ટ્રકો વરસાદ અને પૂર જેવી સ્થિતિના કારણે અટવાઈ ગઈ હતી. આ ટ્રકો દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ટેક્સટાઇલ માલ પહોંચાડવા જઈ રહી હતી.
ટ્રકો અટવાઈ જતાં અંદાજે 60થી 65 હજાર જેટલા પાર્સલો સમયસર ગ્રાહકો સુધી પહોંચી શક્યા નથી. પરિણામે વેપારીઓના વેપાર પર સીધી અસર પડી છે. સમયસર માલની ડિલિવરી ન થતાં વેપારીઓને આર્થિક નુકસાનની સાથે ગ્રાહકો સામે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સતત બીજી વખત વરસાદે વેપારને અસર કરી
વેપારીઓના જણાવ્યા મુજબ 7 જુલાઈના ખાડીપૂર બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ હજુ સંપૂર્ણ રીતે સંભળી શક્યો નહોતો, ત્યાં ફરી એકવાર ભારે વરસાદે વેપારને ફટકો પહોંચાડ્યો છે. બીજી વખત સર્જાયેલા પૂર દરમિયાન રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટ એક દિવસ સુધી પ્રભાવિત રહી હતી, જ્યારે સારોલી વિસ્તારની માર્કેટ ત્રણ દિવસ સુધી અસરગ્રસ્ત રહી હતી.
વેપારીઓને થોડી રાહત મળે તે માટે રવિવારના દિવસે પણ ટેક્સટાઇલ માર્કેટ ખુલ્લી રાખવામાં આવી હતી, જેથી અટવાયેલા વેપારને ગતિ મળી શકે. તેમ છતાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા મોટા પ્રમાણમાં માલની અવરજવર પ્રભાવિત થઈ છે.
ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયાના જણાવ્યા મુજબ ભારે વરસાદ અને પરિવહન વ્યવસ્થા ખોરવાતા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. વેપારીઓ હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બને અને અટવાયેલો માલ સમયસર ગંતવ્ય સુધી પહોંચે તેવી આશા રાખી રહ્યા છે.