સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ તળાવિયા ગત 12 મે 2026ના રોજ અચાનક ગુમ થઈ જતા તેમની પત્નીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.તે દરમિયાન ગુમ થયેલા જીગ્નેશભાઈના જ મોબાઈલ ફોનમાંથી તેમની પત્નીને હિન્દી ભાષામાં ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, "એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા જમા કરાવો, નહીં તો લાશ મળશે અને પોલીસને જાણ કરશો તો મારી નાખીશું."આ સાથે અપહરણકારોએ જાણે જીગ્નેશભાઈને બાંધી રાખ્યા હોય તેવું નાટક કરી પત્નીને ભયભીત કરવાનો પ્રયાસ કર્યો હતો.મામલાની ગંભીરતા જોતા સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉત્રાણ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.તપાસ દરમિયાન 15 મે 2026ના રોજ જીગ્નેશભાઈ તળાવિયા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શિવ હોટેલમાંથી સહીસલામત મળી આવ્યા હતા.ઉત્રાણ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.જીગ્નેશભાઈએ દેવું ચૂકવવા અથવા પૈસા મેળવવાના ઇરાદે પોતે જ પોતાના અપહરણ અને ખંડણીનું આખું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું હતું.પોલીસનો કિંમતી સમય અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા બદલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.