સુરતના અડાજણ ચાર રસ્તા પાસે BAPS હોસ્પિટલ નજીક આવેલી એપોલો ફાર્મસીમાં આજે 18 જૂનના રોજ સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ આસપાસ આવેલા TVS EV શોરૂમ અને કૃષ્ણા રેસ્ટોરન્ટ સુધી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પાંચથી વધુ ફાયર સ્ટેશનની 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આગની ઝપેટમાં બહાર પાર્ક કરાયેલા વાહનો પણ આવી ગયા હતા, જેમાં 15થી વધુ બાઈક, મોપેડ સહિતના વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાનનું મૂલ્યાંકન અને તપાસ હાથ ધરવામાં આવશે.