સુરતના અલથાણ વિસ્તારમાં બનેલા હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ઓટો રિક્ષા ડ્રાઈવર રાહુલ રાજપૂતની હત્યાના આરોપી રાજીવ ઠાકુરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.ગત 7 જૂનના રોજ અલથાણ વિસ્તારમાં રાહુલ રાજપૂત ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, જ્યાં તબીબોએ રાહુલને મૃત જાહેર કર્યો હતો.અલથાણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું કે રાજીવ સતીશસિંહ ઠાકુર નામના વ્યક્તિએ રાહુલની હત્યા કરી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ મૃતક રાહુલ રાજપૂત વ્યવસાયે ઓટો રિક્ષા ડ્રાઇવર હતો અને પાંડેસરાનો રહેવાસી હતો.આરોપ છે કે રાહુલ રાજીવની પત્નીને અવારનવાર પરેશાન કરતો હતો. બનાવના દિવસે પણ તેણે રાજીવની પત્નીનો હાથ પકડી છેડતી કરી હતી.પત્નીએ પતિ રાજીવને ફોન કરી ઘટનાસ્થળે બોલાવ્યો હતો. રાજીવ સ્થળ પર પહોંચીને રાહુલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો ઉગ્ર બનતા તેણે સિમેન્ટના પતરાના શેડ વડે રાહુલના માથામાં હુમલો કર્યો હતો.ગંભીર ઇજાઓના કારણે રાહુલનું મોત નિપજ્યું હતું. હાલ અલથાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.