અમદાવાદમાં ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા ફિટનેસ અને લાઈફ કોચ સપના વ્યાસ, આરોગ્ય નિષ્ણાતો, કેન્સર તજજ્ઞો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં કેન્સર અંગે જાગૃતિ વધારવાનો, નિવારક આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવાનો અને સમયસર નિદાનના મહત્વ અંગે વધુ સમજણ વિકસાવવાનો હતો.
અમદાવાદમાં કેન્સર જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો, વહેલા નિદાન અને સ્વસ્થ જીવનશૈલી પર નિષ્ણાતોએ મૂક્યો ભાર.
અમદાવાદમાં કેન્સર સેન્ટર દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં યોગ સત્ર, ઇન્ટરેક્ટિવ ટોક શો અને આરોગ્ય નિષ્ણાતોની ચર્ચા,ડૉ. ઋષભ કોઠારીએ કેન્સરના વહેલા નિદાન.
કાર્યક્રમની શરૂઆત યોગ સત્રથી કરવામાં આવી હતી. યોગ અને નિયમિત કસરત દ્વારા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાના મહત્વ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલા ઇન્ટરેક્ટિવ ટોક શોમાં આરોગ્ય નિષ્ણાતો અને કેન્સર તજજ્ઞોએ કેન્સરના વિવિધ પ્રકારો, તેના પ્રારંભિક લક્ષણો, જોખમના કારણો, નિવારણ અને સમયસર સારવાર અંગે વિગતવાર માહિતી આપી હતી.
ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહ-સ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ઋષભ કોઠારીએ જણાવ્યું હતું કે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવામાં સૌથી મોટું હથિયાર જાગૃતિ અને વહેલું નિદાન છે. જો કેન્સરના પ્રારંભિક લક્ષણોને ઓળખીને સમયસર તપાસ કરાવવામાં આવે તો સારવાર વધુ અસરકારક બની શકે છે અને દર્દીના સંપૂર્ણ સ્વસ્થ થવાની સંભાવના પણ વધી જાય છે. તેમણે લોકોને શરીરમાં દેખાતા કોઈપણ અસામાન્ય ફેરફાર અથવા ચેતવણીના લક્ષણોને અવગણવા નહીં અને તાત્કાલિક નિષ્ણાત તબીબની સલાહ લેવા અપીલ કરી હતી.
નિષ્ણાતોએ જણાવ્યું કે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, યોગ, વ્યસનમુક્ત જીવનશૈલી અને સમયાંતરે આરોગ્ય તપાસ જેવી બાબતો કેન્સર સહિત અનેક ગંભીર બીમારીઓથી બચવામાં મદદરૂપ બને છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પણ વિવિધ પ્રશ્નો પૂછીને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજમાં કેન્સર અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજકોનું માનવું છે કે લોકોમાં જાગૃતિ વધશે તો વહેલા નિદાન અને યોગ્ય સારવાર દ્વારા કેન્સર સામેની લડત વધુ અસરકારક બની શકશે. કાર્યક્રમને ઉપસ્થિત નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.