અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોમીન મસ્જિદ, બાબુલાલ ચાર રસ્તા નજીક આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 92.5 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સના વેચાણમાં સંડોવાયેલા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
રખિયાલમાં 92.5 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, સપ્લાય ચેઇન સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 92.5 ગ્રામ MD ડ્રગ્સ, ડિજિટલ વજન કાંટા, ઝિપલોક પાઉચ, રોકડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, આરોપી ફગ્ગલની ધરપકડ..
પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડતાં મકાનમાંથી 92.5 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. સ્થળ પરથી પોલીસે બે ડિજિટલ વજન કાંટા, ડ્રગ્સના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા ખાલી ઝિપલોક પાઉચ, ₹9,300 રોકડ રકમ તેમજ બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં પોલીસે 25 વર્ષીય મોઈનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે ફગ્ગલની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે અબ્દુલ મારુફ અંસારી નામના વ્યક્તિ પાસેથી MD ડ્રગ્સ મેળવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા એકથી બે મહિનાથી આરોપી પોતે પણ MD ડ્રગ્સના વ્યસનમાં સપડાયો હતો. બાદમાં વધુ કમાણીના લોભમાં તેણે ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોતાના ઘરે જ ડિજિટલ વજન કાંટાની મદદથી MD ડ્રગ્સને 1 ગ્રામ અને 2 ગ્રામના નાના પેકેટમાં વહેંચી ઝિપલોક પાઉચમાં પેક કરતો હતો અને ત્યારબાદ છૂટક ગ્રાહકોને તેનું વેચાણ કરતો હતો. આ રીતે તે શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
રખિયાલ પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે પોલીસ ડ્રગ્સ સપ્લાય કરનાર અબ્દુલ મારુફ અંસારી સહિત સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. સાથે જ આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.