અમરેલીમાં પ્રથમ વરસાદે હાઇવેની પોલ ખોલી, ચારનાળા બ્રિજ પર મોટી તિરાડો.

અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર પ્રથમ વરસાદે જ માર્ગ નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાજુલા તાલુકાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડતાં રોડ અનેક સ્થળોએ ફાટી ગયો છે. ઘટનાને પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

પ્રથમ વરસાદે ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવેની પોલ ખોલી, ચારનાળા બ્રિજ પર પડી મોટી તિરાડો

મળતી માહિતી મુજબ રાજુલા–જાફરાબાદ–પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાંથી પસાર થતા આ મહત્વપૂર્ણ નેશનલ હાઇવે પર પ્રથમ જ વરસાદ બાદ રોડની હાલત બગડી ગઈ છે. ચારનાળા નજીક આવેલા બ્રિજ પર રોડમાં લાંબી તિરાડો પડી ગઈ છે, જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો છે. ભારે વાહનો તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ માર્ગ જોખમી બન્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલાં જ રોડના ક્ષતિગ્રસ્ત ભાગોમાં સમારકામ કરીને ઢીંગડા ભરવામાં આવ્યા હતા. જોકે, પ્રથમ વરસાદ પડતાં જ એ જ સ્થળ ફરીથી તૂટી જતાં કરવામાં આવેલા સમારકામની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. લોકોનું કહેવું છે કે જો યોગ્ય ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોત તો પ્રથમ વરસાદમાં જ રોડ આ રીતે ન તૂટ્યો હોત.

વાહનચાલકોનું કહેવું છે કે આ માર્ગ પર દરરોજ હજારો વાહનો પસાર થાય છે. રોડમાં પડેલી મોટી તિરાડોને કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ છે. અનેક લોકોએ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ કરાવવા અને સમગ્ર કામની તકનીકી તપાસ કરાવવાની માંગ કરી છે.

વાહનચાલક પ્રવીણસિંહ પરમારે જણાવ્યું હતું કે નબળી ગુણવત્તાના કારણે રોડ વારંવાર તૂટી રહ્યો છે. જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં ગુણવત્તાયુક્ત કામ થાય તે જરૂરી છે.

હાલમાં આ ઘટનાએ માર્ગ નિર્માણમાં થયેલી બેદરકારીને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. વાહનચાલકો અને સ્થાનિકો તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહી અને સુરક્ષિત માર્ગની માંગ કરી રહ્યા છે.

"અમરેલીના રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર પ્રથમ વરસાદમાં રોડ ફાટી જતાં નબળા કામની પોલ ખુલી. વાહનચાલકોએ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી."