અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શેરબજારમાં રોકાણના નામે ઓનલાઈન છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ બાદ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે યોજાયેલી પ્રેસ બ્રિફિંગમાં સમગ્ર કેસ અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી હતી.અમરેલી સિટી પોલીસે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી આચરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસ દરમિયાન આરોપીના બેંક ખાતામાં કરોડો રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાનું જણાવાયું હતું.આ ઉપરાંત આરોપીના ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં નોંધાયેલા અનેક સાયબર ફ્રોડ કેસો સાથે સંભવિત કનેક્શન હોવાનું પણ તપાસમાં ખુલ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલીસ અધિકારીઓએ કેસ સંબંધિત વિગતો, તપાસની દિશા અને આરોપી પાસેથી મળેલી માહિતી અંગે મીડિયાને માહિતગાર કર્યા હતા.