અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણીયોર ગામમાં આજે પણ એકપણ એસ.ટી. બસ ગામની અંદર પ્રવેશતી નથી. આશરે 3500ની વસ્તી ધરાવતા આ ગામમાં વર્ષો પહેલા એસ.ટી. સ્ટેન્ડ બનાવવામાં આવ્યો હોવા છતાં બસો ગામથી એક કિલોમીટર દૂર મુસાફરોને ઉતારીને નીકળી જાય છે.અણીયોર ગામ માલપુર, મોડાસા, ધનસુરા અને ગાબટ વચ્ચે આવેલું મહત્વનું ગામ છે. ગામમાંથી દરરોજ અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોડાસા જાય છે, જ્યારે મજૂર વર્ગ અને દર્દીઓ પણ રોજિંદા અવરજવર માટે એસ.ટી. બસ પર નિર્ભર છે. બસ ગામમાં ન આવવાના કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ગ્રામજનોએ છેલ્લા પાંચ વર્ષથી ડેપો મેનેજર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ડેપો મેનેજર દ્વારા ગામમાં રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનોને બસ ન આવવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે.ગ્રામજનોનું કહેવું છે કે ટ્રાફિક નિયંત્રણ કરવાની જવાબદારી પોલીસની છે, પરંતુ ગામમાં પોલીસની હાજરી પણ ન હોવાને કારણે સમસ્યા વધુ ગંભીર બની રહી છે. અગાઉ ગામમાં આઉટ પોલીસ સ્ટેશન હતું, પરંતુ હાલમાં તે પણ બંધ છે.ગ્રામજનોએ માંગ કરી છે કે અણીયોર ગામમાં નિયમિત એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવે તેમજ પોલીસ સ્ટેશન કાર્યરત કરી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.
અણીયોર ગામમાં એકપણ એસ.ટી. બસ પ્રવેશતી નથી..