ભરૂચ અંકલેશ્વરમાં રાજસ્થાનથી નીકળેલી 21 ફૂટ લાંબી અને અષ્ટધાતુથી નિર્મિત પવિત્ર ગદાની ઐતિહાસિક ગદાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ઉદયપુર ખાતે કંચન સેવા સંસ્થાન દ્વારા 11 મુખી અને 84 ફૂટ ઊંચા હનુમાનજી મહારાજના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ મંદિર માટે કંચન સેવા સંસ્થાન દ્વારા 21 ફૂટ લાંબી અને અષ્ટધાતુથી બનેલી પવિત્ર ગદાની ઐતિહાસિક ગદાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ગદાયાત્રા છેલ્લા અઢી વર્ષથી ગુજરાતભરમાં ભ્રમણ કરી રહી છે અને આગામી સમયમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં પણ પ્રવાસ કરશે.ગદાયાત્રાનું અંકલેશ્વર શહેરમાં આગમન થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે દર્શનનો લાભ લીધો હતો.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે મહંત ગંગાદાસ બાપુના હસ્તે ગદાનું વિધિવત પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.ત્યારબાદ ગદાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ભક્તોએ આરતી ઉતારી ગદાનું સ્વાગત કર્યું હતું.યાત્રાનો મુખ્ય હેતુ ધર્મ જાગૃતિ ફેલાવવાનો, ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો અને હનુમાનજી પ્રત્યેની આસ્થાને વધુ પ્રબળ બનાવવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.ગદાયાત્રાના આગમનથી સમગ્ર અંકલેશ્વર શહેરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.