ભરૂચ અંકલેશ્વરમાં વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી સફળતા હાંસલ કરી છે. નેશનલ હાઇવે-48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે. અંકલેશ્વર વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન ગોઠવ્યું હતું અને આરોપીઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી.બાદમાં નેશનલ હાઇવે-48 પર નર્મદા ગેટ નજીક દરોડો પાડી એમ્બરગ્રીસના ગેરકાયદે સોદાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.કાર્યવાહી દરમિયાન અંદાજે 1.838 કિલોગ્રામ વજનનું એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે 65 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર અને એક બાઇક પણ જપ્ત કરી છે. કુલ મળીને અંદાજે 66.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલ એમ્બરગ્રીસ ભાવનગર તરફથી લાવવામાં આવ્યું હતું અને તેનો સોદો થાય તે પહેલાં જ વન વિભાગે કાર્યવાહી કરી હતી.ઝડપાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લાના સિંધા મહેન્દ્ર રમેશભાઈ, અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે.આ ગેરકાયદે વેપાર પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.