ભરૂચ અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા સાજીયાબીબી શેખ પોતાના સંબંધીઓના ધાર્મિક પ્રસંગે ઉમરા જવા પૂર્વે યોજાયેલી દાવતમાં પરિવાર સાથે ગયા હતા. દરમિયાન તેઓએ પોતાના મકાનને તાળું મારી બંધ રાખ્યું હતું. થોડા સમય બાદ તેમનો દીકરો અથહર શેખ નોકરી પરથી ઘરે દવા લેવા પહોંચ્યો હતો. ઘરનું તાળું ખોલીને અંદર પ્રવેશતા જ ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને તિજોરીનું લોકર પણ તૂટેલું હતું.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા તસ્કરો સ્લાઇડરવાળી બારી મારફતે મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મુકેલા અંદાજે રૂ. 1 લાખ 83 હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી છે તેમજ ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.