પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.દરમિયાન 20 જૂન, 2026ના રોજ મધરાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપી આસીફ ગાંડા અને તેના ત્રણ સાગરીતો ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ બિભત્સ ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ફરિયાદીના નિવેદનના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 352, 296(ખ), 351(3), 54 તેમજ જી.પી. એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. ભીમાણીના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. વી.વી. ત્રિપાઠી, એએસઆઈ દિનેશભાઈ ખીમજીભાઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓની ટીમે ઝડપી તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.