અઠવાના  ‘સ્પાઇડર ચોર’ નું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન...

સુરતના અઠવા પોલીસે ‘સ્પાઇડર ચોર’ અબ્દુલ કરીમ શેખ સાથે ઘટનાસ્થળનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. ગેસલાઇનની પાઇપથી ઘરમાં પ્રવેશી કરાયેલી ₹30 લાખની ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો.

અઠવાના સ્પાઇડર ચોરનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરીને સુરત પોલીસે ઘરફોડ ચોરીના કેસમાં તપાસને વધુ મજબૂત બનાવી છે. અઠવા પોલીસ સ્ટેશનની ટીમે આરોપી અબ્દુલ કરીમ શેખને સાથે રાખીને ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું તેમજ તેણે કેવી રીતે ચોરીને અંજામ આપ્યો હતો તેનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બિલ્ડિંગની ગેસલાઇનની પાઇપનો ઉપયોગ કરીને ઉપર ચઢી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો.

ગેસલાઇનની પાઇપ પરથી ચઢીને ઘરમાં પ્રવેશ

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબ્દુલ કરીમ શેખે બિલ્ડિંગની બહાર આવેલી ગેસલાઇનની પાઇપનો સહારો લઈને ઉપરના માળે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. સમગ્ર ઘટનાને તેણે ખૂબ જ ચાલાકીથી અંજામ આપ્યો હતો, જેના કારણે તેને 'સ્પાઇડર ચોર' તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

ચોરી બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અઠવા પોલીસે ટેક્નિકલ તપાસ, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન આરોપી મહારાષ્ટ્રના માલેગાંવમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો.

ઝાડીઓમાંથી ₹30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કરેલો મુદ્દામાલ ચોકબજાર વિસ્તારમાં આવેલી ઝાડીઓમાં છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ અઠવા પોલીસ આરોપીને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી અને તેની નિશાનદેહી પરથી ₹30 લાખથી વધુ કિંમતના સોનાના ઘરેણાં અને રોકડ રકમ કબજે કરી હતી.

પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરીને પંચનામું પણ તૈયાર કર્યું છે. આ કાર્યવાહીનો હેતુ ચોરીની સમગ્ર ઘટનાક્રમને સ્પષ્ટ કરવાનો અને કેસમાં વધુ મજબૂત પુરાવા એકત્ર કરવાનો હતો. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે અને કેસ સંબંધિત અન્ય મુદ્દાઓની પણ તપાસ ચાલુ રાખી છે.

અઠવા પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે લાખો રૂપિયાનો મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મળી છે, જેને લઈને સ્થાનિકોમાં પણ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.