અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને રાહત આપવા બે છાશ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિથી દરરોજ મોટી સંખ્યામાં લોકો લાભ મેળવી રહ્યા છે.બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદિર દ્વારા બે છાશ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.દર વર્ષે ગ્રીષ્મ ઋતુ દરમિયાન કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળે તે માટે બે મહિના સુધી અંદાજે 200 જેટલા પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે.બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ આ છાશ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.વિચરતી અને વિમુક્ત જાતિના સરાણિયા, દેવીપૂજક અને લુવારીયા સમાજના લોકો વસવાટ કરે છે તેવા અટલજી પાર્ક વિસ્તારમાં પણ છાશ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.આ સેવાકીય કાર્યમાં દમયંતીબેન ડાભી, નયનાબેન મવાડા સહિત અનેક લોકોનો સહયોગ મળી રહ્યો છે અને બહોળી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે.