સુરત જિલ્લાના બારડોલી નજીક ગુડ્સ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોનગઢથી દાહણુ રોડ તરફ જઈ રહેલી કોલસાથી ભરેલી ગુડ્સ ટ્રેનના એક ડબ્બામાંથી અચાનક ધુમાડો નીકળતા રેલવે તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું.સોનગઢથી દાહણુ રોડ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બારડોલી નજીક સામે આવી છે.મળતી માહિતી મુજબ ગુડ્સ ટ્રેનના બોગી નંબર 15403માં કોલસાનો જથ્થો ભરેલો હતો. ટ્રેન મઢી વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.આ અંગે તાત્કાલિક રેલવે તંત્રને જાણ કરવામાં આવી હતી. ટ્રેન બારડોલી તરફ આગળ વધતા ફાયર વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યો હતો.ગુડ્સ ટ્રેન બારડોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર પહોંચતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક પાણીનો છંટકાવ શરૂ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.