ભડકોદ્રામાં પાણીની ટાંકી ધરાશાયી,સમારકામ દરમિયાન સર્જાઈ ઘટના
ભરૂચ અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના નોંધાઈ નથી.અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામપંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું.સમારકામ દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશાયી થઈ જતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતાં રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના બની ન હતી.ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને આ અંગે અગાઉ ગ્રામ પંચાયતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી.