ભારે વરસાદ બાદ, સુરતના મોટા વરાછામાં તાપી નદીનો પાળો જોખમી..

 

સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે ગંભીર ધોવાણની સ્થિતિ સર્જાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, નદીનો પાળો ત્રણ અલગ-અલગ સ્થળોએ તૂટી ગયો છે, જેના કારણે સમગ્ર વિસ્તાર જોખમી બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક અને કાયમી રક્ષણાત્મક કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો વધુ ધોવાણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

મોટા વરાછામાં તાપી નદીના કિનારે ભારે ધોવાણ, ત્રણ સ્થળે પાળો તૂટતાં જોખમ વધ્યું..

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભારે વરસાદ બાદ તાપી નદીના કિનારે ત્રણ અલગ-અલગ સ્થળે ધોવાણ થયું છે,નદી કિનારે આવેલી ફૂટપાથનો ભાગ ધસી પડ્યો, તાત્કાલિક સુરક્ષાની માંગ

મળતી માહિતી મુજબ, ભારે વરસાદ અને નદીના વધેલા પ્રવાહના કારણે તાપી નદીના કિનારે મોટા પ્રમાણમાં જમીન ધોવાઈ ગઈ છે. ધોવાણને કારણે નદી કિનારે બનાવવામાં આવેલી જાહેર ફૂટપાથનો એક ભાગ પણ ધસી પડ્યો છે. પરિણામે ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. સુરક્ષા માટે હાલ તંત્ર દ્વારા ચેતવણીના બેનરો લગાવવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યાં સતત ધોવાણ થઈ રહ્યું છે ત્યાંથી અંદાજે 45થી 50 ફૂટના અંતરે એક ગગનચુંબી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે. જો ધોવાણ વધુ આગળ વધશે તો બાંધકામ તેમજ આસપાસના રહેણાંક વિસ્તાર પર તેની અસર પડી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ સંભવિત જોખમ અંગે સંબંધિત તકનીકી વિભાગ દ્વારા કોઈ સત્તાવાર મૂલ્યાંકન જાહેર કરવામાં આવ્યું નથી.

સ્થાનિક રહેવાસીઓએ માંગ કરી છે કે માત્ર ચેતવણીના બેનરો લગાવવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. નદીના કિનારાને મજબૂત બનાવવા માટે રિટેનિંગ વોલ, પિચિંગ અથવા અન્ય યોગ્ય ઇજનેરી ઉપાયો યુદ્ધના ધોરણે હાથ ધરવા જરૂરી છે. તેમનું કહેવું છે કે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

આ મુદ્દે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરીને જોખમનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવા અને નદી કિનારે ચાલતા બાંધકામ તેમજ આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોના જાનમાલની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.