"ભરૂચમાં અતિભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, 26 રેસ્ક્યૂ બોટ સજ્જ.."

ભરૂચમાં અતિભારે વરસાદને લઈ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સંભવિત પૂર અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બચાવ અને રાહત કામગીરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

NDRF-SDRF અને રેસ્ક્યૂ ટીમો સ્ટેન્ડબાય

ભરૂચમાં અતિભારે વરસાદની આગાહીને પગલે NDRF-SDRF ટીમો, 26 રેસ્ક્યૂ બોટ અને 400થી વધુ સ્વયંસેવકોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
જિલ્લામાં નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ વિસ્તારને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમોને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન જો કોઈ વિસ્તારમાં પાણી ભરાય અથવા પૂર જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે 20 ફાઇબર બોટ અને અન્ય 6 રેસ્ક્યૂ બોટ સહિત કુલ 26 રેસ્ક્યૂ બોટ તૈયાર રાખવામાં આવી છે.

રેસ્ક્યૂ ટીમોને ચેઇન સો મશીન, સ્ટ્રેચર, ટૂલકિટ અને અન્ય જરૂરી બચાવ સાધનોથી સજ્જ કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે.

400થી વધુ સ્વયંસેવકો પણ તૈયાર

જિલ્લા તંત્રને સહયોગ આપવા માટે 400થી વધુ સ્વયંસેવકો, વિવિધ NGO, ધાર્મિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓને પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જિલ્લાના તમામ નાના-મોટા ડેમ અને જળાશયોના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી સમયસર જરૂરી નિર્ણય લઈ શકાય.

પશુપાલકોને પોતાના પશુઓને ખુલ્લામાં ન બાંધવા તેમજ ઘાસચારા અને પીવાના પાણીનો પૂરતો જથ્થો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, નદી-નાળા, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તથા ડૂબેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવાની વિનંતી કરી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે.