ગીર સોમનાથ ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામ નજીક આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક ભોમેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવાના રસ્તાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂનો ઇતિહાસ ધરાવતા આ પવિત્ર ધામમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે.મંદિરના મહંત બાબાપુરી ગુરુ સોમપુરી અને તેમના શિષ્ય નવઘણ બાપુ દ્વારા મંદિરની ધાર્મિક પ્રવૃત્તિઓ અને વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે.જોકે મંદિર સુધી પહોંચવા માટે ગીર ગઢડાથી હરમડિયા થઈ ધોકાકુટ તરફ જતો મુખ્ય માર્ગ હાલ દબાણોના કારણે સાંકડો બની ગયો હોવાનું સામે આવ્યું છે.સ્થાનિકો અને મંદિરના સંચાલકોનો આક્ષેપ છે કે કેટલાક લોકો દ્વારા રસ્તા પર દબાણ કરવામાં આવતા યાત્રાળુઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.મંદિરના મહંતે તંત્ર સમક્ષ રજૂઆત કરી રસ્તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવે, મૂળ પહોળાઈ મુજબ માર્ગ ખુલ્લો કરવામાં આવે અને રસ્તાનું રિપેરિંગ તથા સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.