ચોટીલામાં ગેરકાયદેસર ખનન સામે રૂ.48 લાખનો મુદ્દામાલ જપ્ત...

 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ગેરકાયદેસર ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ રાત્રિના સમયે વિશેષ પેટ્રોલિંગ અને દરોડાની કાર્યવાહી દરમિયાન બે અલગ-અલગ સ્થળેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું. કાર્યવાહીમાં બે લોડર મશીન, ત્રણ ટ્રેક્ટર સહિત કુલ અંદાજે રૂ.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ચોટીલામાં ગેરકાયદેસર ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી, રૂ.48 લાખનો મુદ્દામાલ જપ્ત..

ચોટીલામાં ગેરકાયદેસર ખનન સામે દરોડા પાડી તંત્રએ રૂ.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બે લોડર અને ત્રણ ટ્રેક્ટર કબજે લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ.
મળતી માહિતી મુજબ, તંત્રને મળેલી બાતમીના આધારે ચોટીલાના નાવા ગામના કાળી ઘાર વિસ્તારમાં તેમજ થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામના સરકારી વીડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ પર તપાસ દરમિયાન સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. તાત્કાલિક કાર્યવાહી કરીને ત્યાંથી બે લોડર મશીન અને ત્રણ ટ્રેક્ટરને કબજે લેવામાં આવ્યા હતા.

જપ્ત કરાયેલા તમામ વાહનોને કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં વાહનોનો ઉપયોગ ગેરકાયદેસર ખનન માટે થતો હોવાનું સામે આવતા સંબંધિત વાહન માલિકો અને ખનનમાં સંડોવાયેલા ઇસમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તંત્રના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે ખનિજ નિયમોના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ કાયદો અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ અથવા તત્વોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચાલુ છે.

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યની કિંમતી ખનિજ સંપત્તિનું રક્ષણ કરવું તંત્રની પ્રથમ જવાબદારી છે. ગેરકાયદેસર ખનનથી સરકારને આર્થિક નુકસાન થવાની સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. તેથી આવા કૃત્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી વિશેષ કાર્યવાહી સતત ચાલુ રહેશે. તેમણે ગેરકાયદેસર ખનન અંગે કોઈપણ માહિતી હોય તો તંત્રને જાણ કરવા નાગરિકોને અપીલ પણ કરી હતી.