ચોટીલામાં શંકાસ્પદ પનીરના ઉપયોગની આશંકાને પગલે વહીવટી તંત્ર દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ ચોટીલા શહેર તેમજ નેશનલ હાઇવે-47 પર આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલી સાત સંયુક્ત ટીમોએ કુલ 22 સ્થળોની તપાસ કરી હતી.
આઠ સ્થળેથી 48 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. તપાસ દરમિયાન સાત હોટલ-રેસ્ટોરન્ટ અને એક ખાનગી મકાન સહિત કુલ આઠ સ્થળેથી 48 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન આ પનીર એનાલોગ પનીર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે પનીર ખરેખર એનાલોગ છે કે નહીં તેની અંતિમ પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.
આથી તંત્ર દ્વારા શંકાસ્પદ પનીરના નમૂનાઓ નિયમ મુજબ સીલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ નમૂનાઓને વૈજ્ઞાનિક અને લેબોરેટરી તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલવામાં આવ્યા છે.
લેબોરેટરી રિપોર્ટ બાદ થશે આગળની કાર્યવાહી
અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ તેના તારણના આધારે લાગુ કાયદા અને નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી હાલ જપ્ત કરવામાં આવેલા પનીરને એનાલોગ અથવા ભેળસેળયુક્ત હોવાનું અંતિમ રીતે કહી શકાય નહીં.
તપાસ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોને આપવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે જ ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.
ચોટીલા શહેર ઉપરાંત નેશનલ હાઇવે-47 પર મોટી સંખ્યામાં હોટલ અને રેસ્ટોરન્ટ આવેલા છે. અહીં સ્થાનિક નાગરિકો ઉપરાંત હાઇવે પરથી પસાર થતા મુસાફરો પણ ભોજન અને અન્ય ખાદ્યપદાર્થો માટે રોકાતા હોય છે. ત્યારે ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કુલ 22 સ્થળોની તપાસ દરમિયાન મળેલા 48 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ પર હવે આગળની કાર્યવાહીનો આધાર રહેશે.
