ચુડા હોસ્ટેલમાં ફૂડપોઈઝનિંગની, 200થી વધુ વિદ્યાર્થીનીઓ બીમાર..

 

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં અચાનક મોટી સંખ્યામાં તબિયત બગડવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહેતી 270થી વધુ વિદ્યાર્થીનીઓમાંથી 200થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ચુડા KGBV હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની આશંકા, 200થી વધુ વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં દાખલ..

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં ખીર ખાધા બાદ 200થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે.. પ્રાથમિક માહિતી મુજબ, હોસ્ટેલમાં ભોજન દરમિયાન પીરસાયેલી ખીર ખાધા બાદ અનેક વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો, ઝાડા, ઉલ્ટી અને અસ્વસ્થતા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. થોડા જ સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓની તબિયત લથડતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને ચુડા, લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ તેમજ સી.યુ. શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ડોક્ટરોના જણાવ્યા મુજબ, મોટાભાગની વિદ્યાર્થીનીઓની સ્થિતિ હાલ સ્થિર છે. જોકે પાંચ વિદ્યાર્થીનીઓની તબિયત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીનીઓની તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સારવારની વ્યવસ્થાની સમીક્ષા કરી અને આરોગ્ય અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

બીજી તરફ, ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો કે હોસ્ટેલના વોર્ડન અને સંચાલકોએ સમયસર પરિવારજનોને ઘટનાની જાણ કરી નહોતી તેમજ ઘટના સમયે જવાબદાર અધિકારીઓ પણ સ્થળ પર હાજર નહોતા. વાલીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. ભોજનના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસનો અહેવાલ આવ્યા બાદ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.