ચુવાળીયા ઠાકોર સમાજનું મહા સંમેલન લગ્નમાં ડીજે-ફટાકડા પર પ્રતિબંધ..
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ સામતપર વેલનાથ આશ્રમ ખાતે ચુવાળીયા ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું હતું. સાયલાના આયા બોર્ડ પાસે આવેલ સામતપર વેલનાથ આશ્રમ ખાતે ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લાના 150થી વધુ ગામોના આગેવાનો, સામાજિક અને રાજકીય આગેવાનો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.સમાજમાં મોંઘવારીને અંકુશમાં લાવવા અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને ઘટાડવાના હેતુથી નવા બંધારણને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.નવા બંધારણ મુજબ લગ્ન પ્રસંગોમાં ફટાકડા, ડીજે અને વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ ઘરેણાં અને અન્ય ખોટા ખર્ચાઓને પણ નિયંત્રિત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે.સમાજ દ્વારા આજથી જ આ નવા બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. બંધારણનો ભંગ કરનાર વ્યક્તિને સમાજનો દોષિત ગણી તેની સામે રૂ. 51 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે.સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દંડની તમામ રકમ શિક્ષણના હેતુ માટે વાપરવામાં આવશે.