સુરતના સચિન વિસ્તારમાં CNGના વધતા ભાવને લઈને ઓટો રિક્ષા ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 100થી વધુ રિક્ષા ચાલકોએ હડતાળ પર ઉતરી ભાડામાં રૂ. 5ના વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હડતાળના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સચિન વિસ્તારમાં CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાના વિરોધમાં ઓટો રિક્ષા ચાલકોએ 2 જૂનની સવારે સચિન ચાર રસ્તા ખાતે હડતાળ શરૂ કરી હતી. રિક્ષા ચાલકોનું કહેવું છે કે CNGના વધતા ખર્ચ સામે હાલનું ભાડું પૂરતું નથી, જેના કારણે ભાડામાં રૂ. 5નો વધારો કરવો જરૂરી બન્યો છે.હડતાળના પગલે સચિનથી ભેસ્તાન, ઉધના અને અન્ય વિસ્તારો તરફ જતી પરિવહન સેવાઓ પર અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર અટવાઈ ગયા હતા અને તેમને વિકલ્પિક વાહનો શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.વિરોધ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ હડતાળમાં સામેલ ન થયેલા રિક્ષા ચાલકોને પણ રોક્યા હતા. રસ્તા પરથી પસાર થતી રિક્ષાઓને અટકાવી તેમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.રિક્ષા ચાલકોનું કહેવું છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.