અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા ડામોર ઢુઢા તળાવમાં ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓ અને અન્ય જળચર જીવ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકો અને સરપંચે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.મેઘરજ તાલુકાના ડામોર ઢુઢા તળાવમાં પાણીમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તળાવમાં રહેલી માછલીઓ તેમજ અન્ય નાના-મોટા જળચર જીવોના મૃતદેહ પાણીની સપાટી પર તણાઈને બહાર આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તળાવ ખાતે દોડી આવ્યા હતા. હાલ પણ તળાવના પાણીમાં અનેક નાના-મોટા જીવજંતુઓ અને જળચર પ્રાણીઓ ફસાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે.સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા તેમજ તળાવના પાણીના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ જો કોઈ અસામાજિક તત્વોએ ઝેરી પદાર્થ નાખ્યો હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.સંપૂર્ણ મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકો અપેક્ષા રાખી રહ્યા છે.